સંપાદન : મેથ્યૂ એલ્ટ્રિંઘમ
કાનૂની તપાસ : સારા મૅકકૉલ
જેફ્રી ઍપ્સ્ટીને જે મહિલાનો રેપ કર્યો હતો, તેમનું કહેવું છે કે જે મૉડલ એજન્સી તેમનું પ્રતિનિધિત્વ કરતી હતી, તેના પ્રમુખે તેમને જોખમમાં મૂકી દીધાં હતાં.
મહિલાના જણાવ્યા અનુસાર, એજન્સીના પ્રમુખે તેમને ફ્લોરિડામાં જાતીય ગુના માટે દોષિત ઠરેલા ઍપ્સ્ટીનના બીચ હાઉસમાં બે ફોટોશૂટ માટે મોકલ્યાં હતાં.
એ સમયે એટલે કે 2009માં ઍપ્સ્ટીન સગીરા વિરુદ્ધ જાતીય ગુનાના કેસમાં જેલની સજા ભોગવી રહ્યો હતો. જોકે, તેને દરરોજ પોતાના ઘરેથી કામ કરવાની છૂટ આપવામાં આવી હતી.
મહિલાએ બીબીસી વર્લ્ડ સર્વિસને કહ્યું હતું, "મારી એજન્સીની જવાબદારી મારી સુરક્ષા કરવાની હતી, પરંતુ તે આમ કરવામાં નિષ્ફળ રહી. હકીકતમાં, તેણે મને જોખમમાં મૂકી દીધી. આ માટે એજન્સીને જવાબદાર ઠેરવવી જોઈએ."
રોઝાની ઉંમર 18 વર્ષની હતી, જ્યારે એમસી2 મૉડલ મૅનેજમેન્ટની અમેરિકન શાખાએ તેમને પહેલી વાર ઍપ્સ્ટીનના પામ બીચસ્થિત ઘરે મોકલ્યાં હતાં.
તેના આશરે એક મહિના પહેલાં જ રોઝા ઉઝબેકિસ્તાનથી અમેરિકા આવ્યાં હતાં. એ સમયે એમસી2ની અમેરિકન શાખાના પ્રમુખ જેફ ફુલર હતા. હવે તેઓ અમેરિકાની બીજી એક મૉડલ એજન્સી 'ધ સોર્સ મૉડલ્સ' ચલાવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રોઝાએ બીબીસીને શું જણાવ્યું?
ઇમેજ સ્રોત, Fashion TV
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રોઝાએ અમને ખર્ચનો એક રેકૉર્ડ બતાવ્યો હતો. તેના પરથી સંકેત મળે છે કે ઍપ્સ્ટીનના ઘરે બીજા ફોટોશૂટ પછી ફુલરે પોતે જ પામ બીચથી રોઝાના ઘરે પાછા ફરવા માટેની ફ્લાઇટ બુક કરાવી હતી.
ફુલર અગાઉ દાવો કરી ચૂક્યા છે કે રોઝા ઍપ્સ્ટીનના ઘરે જઈ રહ્યાં હતાં તેની તેમને જાણ નહોતી.
રોઝાનું કહેવું છે કે આ ફોટોશૂટ પછી તેમને ઍપ્સ્ટીનનાં સહાયક તરીકે નોકરી પર રાખવામાં આવ્યાં હતાં.
ઍપ્સ્ટીનના અન્ય સર્વાઇવર્સે પણ જણાવ્યું છે કે આ કારોબારીએ યુવતીઓનું જાતીય શોષણ ચાલુ રાખવા માટે સહાયકોની ભરતીને એક સુનિયોજિત પદ્ધતિ તરીકે અપનાવી હતી.
રોઝાના જણાવ્યા અનુસાર, એ પછી ઍપ્સ્ટીને આયોજનપૂર્વક તેમની સાથે રેપ કર્યો હતો.
ફુલરે બીબીસીના સવાલોનો કોઈ જવાબ આપ્યો નથી. તેઓ અગાઉ કહી ચૂક્યા છે કે રોઝાનું જાતીય શોષણ થઈ રહ્યું હતું તેની તેમને જાણ નહોતી.
અમેરિકાના ન્યાય વિભાગે જાહેર કરેલા ઍપ્સ્ટીનને લગતા દસ્તાવેજોની તપાસ દરમિયાન અમને જાણવા મળ્યું કે એમસી2ની દસ મૉડલ ઍપ્સ્ટીનને મળી હતી અથવા તેના સંપર્કમાં હતી. આ બધું ઍપ્સ્ટીનને દોષિત ઠેરવવામાં આવ્યા પછી બન્યું હતું.
દસ્તાવેજો પરથી એ પણ જાણવા મળે છે કે ઍપ્સ્ટીને 2005માં એમસી2ને દસ લાખ ડૉલર આપ્યા હતા. જોકે, એજન્સીના માલિકોએ બે વર્ષ પછી એક અમેરિકન પ્રકાશનને જણાવ્યું હતું કે ઍપ્સ્ટીનને તેમની કંપની સાથે કોઈ સંબંધ નહોતો.
બીબીસી આઇ સાથે શૅર કરવામાં આવેલી જુબાનીઓથી મૉડલિંગ ઉદ્યોગમાં સક્રિય અન્ય બે વ્યક્તિઓની ભૂમિકા અંગે પણ સવાલો ઊભા થાય છે.
ન્યાય વિભાગના દસ્તાવેજો અનુસાર, આ બંનેને ઍપ્સ્ટીન સાથે ગાઢ સંબંધો હતા. તેમાં ભૂતપૂર્વ એજન્ટ રૅમ્સે એલ્કહોલી અને એજન્સીનાં ડિરેક્ટર ફોથ કેટ્સનો સમાવેશ થાય છે.
ગયા વર્ષે ન્યાય વિભાગે એક નિવેદન આપ્યું હતું. તેમાં જણાવાયું હતું કે એવા કોઈ પુરાવા મળ્યા નથી, જેના આધારે જેમની સામે આરોપો મૂકવામાં આવ્યા નથી એવા અન્ય લોકો વિરુદ્ધ વધુ તપાસ કરવાની જરૂર ઊભી થાય. હવે ન્યૂયૉર્કના સેનેટર જેલનર માયરી આ વલણને પડકારી રહ્યા છે.
તેમણે માનવ તસ્કરીને લગતું નવું બિલ રજૂ કર્યું છે. તેનો હેતુ ઍપ્સ્ટીનને મદદ કરવાના આરોપોનો સામનો કરી રહેલા લોકોની તપાસ કરવા માટે પોલીસને વધુ સત્તા આપવાનો છે.
એજન્સી અને સ્પૉન્સરર વચ્ચે ગાઢ સંબંધો
અમેરિકામાં મૉડલ્સની સુરક્ષા મજબૂત કરવા માટે કામ કરતી સંસ્થા 'મૉડલ અલાયન્સ'નાં સ્થાપક સારા ઝિફે આ પગલાને સમર્થન આપ્યું છે.
તેમણે કહ્યું હતું, "ઘણી વાર મૉડલ એજન્સીઓ જ સમસ્યા હોય છે. તેઓ મૉડલ્સ અને તેમનું શોષણ કરતા પુરુષો વચ્ચેની કડીનું કામ કરે છે."
રોઝાનું કહેવું છે કે એમસી2એ તેમને જે ફોટોશૂટ માટે મોકલ્યાં હતાં, ત્યાં કૅમેરાની પાછળ કોઈ વ્યાવસાયિક ફોટોગ્રાફર નહોતો. એ સમયે ઍપ્સ્ટીનની ગર્લફ્રેન્ડ નાદિયા માર્સિન્કો તસવીરો લઈ રહી હતી.
રોઝાના જણાવ્યા અનુસાર, ફોટોશૂટની વ્યવસ્થા "વિચિત્ર હતી. ત્યાં કોઈ સ્ટાઇલિસ્ટ પણ નહોતો." એટલું જ નહીં, એ તસવીરોનો ક્યારેય ઉપયોગ પણ કરવામાં આવ્યો નહોતો.
હવે તેમને ખાતરી છે કે આ ફોટોશૂટનું સમગ્ર આયોજન ઍપ્સ્ટીન અને એમસી2એ સાથે મળીને કર્યું હતું.
ન્યાય વિભાગની ફાઇલોમાં ફુલરે ઍપ્સ્ટીનને મોકલેલા ઇમેલથી એજન્સી અને સ્પૉન્સર વચ્ચેના ગાઢ સંબંધો સ્પષ્ટ થાય છે.
માર્ચ 2012માં ફુલરે બીજી એક મૉડલ વિશે લખ્યું હતું, "તમે ન હોત તો અમે તેને મહિનાઓ પહેલાં જ નોકરીમાંથી કાઢી મૂકી હોત." તેમણે આગળ લખ્યું હતું, "અને હું સાવચેત રહેત, કારણકે તે ઘણી બધી કરતી ફરે છે."
2019માં ઍપ્સ્ટીનની બીજી વાર ધરપકડ થયાના એક મહિના પછી એમસી2ની અમેરિકન શાખા બંધ કરી દેવામાં આવી હતી.
એ પછી ફુલરે 'ધ સોર્સ મૉડલ' નામે નવી એજન્સી શરૂ કરી હતી, જે હજી પણ કાર્યરત છે. બીબીસીની તપાસમાં જાણવા મળ્યું કે એમસી2ની 50 મૉડલ્સને ફુલરની નવી એજન્સીમાં મોકલી દેવામાં આવી હતી.
અમે તપાસમાં જાણવા મળેલી વિગતો અંગે જવાબ માગવા 'ધ સોર્સ મૉડલ'નો સંપર્ક કર્યો હતો, પરંતુ એજન્સીએ કોઈ પ્રતિક્રિયા આપી નહોતી.
100થી વધુ સર્વાઇવરો વતી કાનૂની લડાઈ લડી રહેલાં મુખ્ય વકીલ સિગ્રિડ મૅકૉલીએ જણાવ્યું હતું કે મૉડલ એજન્સીઓ ઍપ્સ્ટીન માટે ઉપયોગી સાબિત થતી હતી.
તેમણે કહ્યું હતું, "ઍપ્સ્ટીન અનેક લોકોને કહેતો હતો કે તેને દરરોજ ત્રણ અલગ અલગ યુવતીઓ જોઈએ છે. આ આંકડા વિશે વિચારો. મૉડલ સ્કાઉટ્સની ભૂમિકા અત્યંત મહત્ત્વની હતી, કારણકે તેઓ જ ઍપ્સ્ટીનને ગમતી યુવતીઓને ઓળખી શકતા હતા."
ભૂતપૂર્વ એજન્ટ રૅમ્સે એલ્કહોલીના કિસ્સામાં બીબીસી આઇની તપાસમાં જાણવા મળ્યું કે તેણે 34 મહિલાઓને ઍપ્સ્ટીન સાથે મુલાકાત કરાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમાં 18 વર્ષની એક યુવતીનો પણ સમાવેશ થાય છે, જે એ સમયે શાળામાં અભ્યાસ કરતી હતી.
અન્ય મહિલાઓના અનુભવો
આ મહિલાઓમાંનાં એકનો અનુભવ બતાવે છે કે કેવી રીતે મદદનીશોને પણ જાતીય શોષણના આ સમગ્ર તંત્રનો ભાગ બનાવવામાં આવતા હતા.
ન્યાય વિભાગના દસ્તાવેજો અનુસાર, એલ્કહોલીએ ઍપ્સ્ટીનને સૂચન કર્યું હતું કે તેનાં એક મહિલા મદદનીશ પહેલાં આ યુવતી સાથે મિત્રતા કેળવે અને પછી તેની ઍપ્સ્ટીન સાથે મુલાકાત કરાવે.
અમે આ મહિલા સાથે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે 19 વર્ષની ઉંમરે ઍપ્સ્ટીન સાથેની પહેલી મુલાકાત દરમિયાન ન્યૂયૉર્કમાં આવેલા તેના ટાઉનહાઉસમાં તેમનું જાતીય શોષણ કરવામાં આવ્યું હતું.
રૅમ્સે એલ્કહોલીએ બીબીસીને કહ્યું, "મને કોઈ પણ પ્રકારના શોષણની જાણ હતી અથવા મેં તેમાં મદદ કરી હતી એવો આરોપ હું સંપૂર્ણપણે નકારું છું. એ સમયે મને કોઈ પણ પ્રકારના શોષણની જાણ નહોતી. મને માત્ર 2008માં ઍપ્સ્ટીન સામે ચાલેલા કાનૂની કેસ વિશે તેણે જે વાતો કહી હતી તેની જ જાણ હતી. મેં તેની વાતો પર ખોટી રીતે વિશ્વાસ કરી લીધો હતો."
તેમણે વધુમાં કહ્યું, "દસ્તાવેજો અને પ્રકાશિત અહેવાલો પરથી જણાય છે કે ઍપ્સ્ટીનના નજીકના વર્તુળમાં રહેલી બીજી મહિલાઓ ઘણી વાર યુવતીઓને પોતાની જાળમાં ફસાવતી હતી. હું ક્યારેય એ વર્તુળનો ભાગ નહોતો અને આવી કોઈ પ્રવૃત્તિમાં સામેલ પણ નહોતો. મારો હેતુ મૉડલ્સને એક અત્યંત પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત કરાવીને તેમને વ્યાવસાયિક તકો મેળવવામાં મદદ કરવાનો હતો."
વકીલ સિગ્રિડ મૅકૉલીનું કહેવું છે કે આ મહિલા મદદનીશો પાસે પોતાની મરજી મુજબ વર્તવાની છૂટ નહોતી.
તેમણે કહ્યું, "આ યુવા સર્વાઇવર્સનું નિયમિત રીતે જાતીય શોષણ થતું હતું. તેમની આજીવિકા છીનવાઈ જવાનું જોખમ હતું. તેમને જે કહેવામાં આવતું હતું, તે જ કરવું પડતું હતું."
અમે પૂર્વ યુરોપની બીજી એક મૉડલ સિમોના(બદલેલું નામ) સાથે પણ વાત કરી હતી. તેમણે જણાવ્યું કે ઍપ્સ્ટીને 200થી વધુ વખત તેમના પર રેપ કર્યો હતો.
સિમોનાએ કહ્યું, "લોકો એવું માને છે કે અમને આમાંથી કંઈક મળ્યું હતું, કે પૈસા અથવા પ્રભાવશાળી લોકો સુધી પહોંચ મેળવવા માટે અમે આ શોષણ સહન કરવાની સંમતિ આપી હતી. પરંતુ એ સાચું નથી. આ બધાની અમારા મન પર ઊંડી અસર રહી છે."
તેમણે જણાવ્યું કે જ્યારે પોતે પહેલી વાર ઍપ્સ્ટીનને મળ્યાં ત્યારે તેમની ઉંમર 20 વર્ષની હતી અને પોતે પહેલેથી જ ન્યૂયૉર્કની એક મૉડલ એજન્સી સાથે જોડાયેલાં હતાં. ઍપ્સ્ટીને તેમને પોતાની એક 'સારી' મિત્ર ફેથ કેટ્સ સાથે મુલાકાત કરાવવાની ઑફર આપી હતી.
એ સમયે કેટ્સ નેક્સ્ટ મૅનેજમેન્ટનાં વડાં હતાં. આ દુનિયાની સૌથી મોટી મૉડલ એજન્સીઓમાંની એક છે.
ગયા વર્ષે ડિસેમ્બરમાં તેમણે કંપનીમાં વરિષ્ઠ કાર્યકારી પદ પરથી રાજીનામું આપી દીધું હતું. જોકે, કાનૂની દસ્તાવેજોમાં હજુ પણ કંપનીના ડિરેક્ટર તરીકે તેમનું નામ નોંધાયેલું છે.
ફેથ કેટ્સના વકીલોએ બીબીસીને શું કહ્યું?
ઇમેજ સ્રોત, Getty Images
સિમોનાનું કહેવું છે કે આ મુલાકાત દરમિયાન કેટ્સે તેમને પ્લાસ્ટિક સર્જરી કરાવવાનું સૂચન કર્યું હતું અને એક સર્જનની વિગતો ઍપ્સ્ટીનને મોકલી હતી.
કેટ્સ સાથેની મુલાકાત પછી ઍપ્સ્ટીને સિમોનાને મૉડલિંગ છોડી દેવા માટે મનાવી લીધી હતી.
રોઝા અને ઍપ્સ્ટીનનાં ઘણાં અન્ય સર્વાઇવરોની માફક સિમોના પણ તેની મદદનીશ બની ગયાં હતાં. તેમના કહેવા મુજબ, એ પછી ઍપ્સ્ટીને લગભગ બે વર્ષ સુધી તેમના પર રેપ કર્યો અને તેમની જિંદગીના દરેક પાસા પર નિયંત્રણ રાખ્યું.
ન્યાય વિભાગના દસ્તાવેજો પરથી જાણવા મળે છે કે ઍપ્સ્ટીને કેટ્સને અન્ય પાંચ મૉડલ્સને મળવા માટે પણ કહ્યું હતું. જોકે, આમાંથી કેટલી મૉડલ્સ સાથે તેમની મુલાકાત થઈ હતી તે સ્પષ્ટ નથી.
ફેથ કેટ્સના વકીલોએ બીબીસીને કહ્યું, "જેફ્રી ઍપ્સ્ટીન લોકોને પોતાની જાળમાં ફસાવવામાં માહેર હતો. શ્રીમતી કેટ્સ પણ તેનાંથી ગંભીર રીતે ગેરમાર્ગે દોરાયેલા લોકોમાંનાં એક હતાં. જો તે સમયે તેમને આજે જે હકીકતો જાણવા મળી છે તેની જાણ હોત, તો તેઓ ક્યારેય ઍપ્સ્ટીનના સંપર્કમાં આવ્યાં ન હોત. વકીલોએ એમ પણ કહ્યું કે કેટ્સે ક્યારેય કોઈ મૉડલને પ્લાસ્ટિક સર્જરી કરાવવાનું કહ્યું નહોતું."
અમે નેક્સ્ટ મૅનેજમેન્ટ પાસેથી પણ આ મામલે જવાબ માગ્યો હતો, પરંતુ કંપનીએ કોઈ પ્રતિક્રિયા આપી નહોતી.
સેનેટર માયરીએ બીબીસીને કહ્યું કે તેમનું બિલ કાયદો બને તો આવા કિસ્સામાં સંબંધિત વ્યક્તિને જવાબદાર ઠેરવી શકાશે. એટલે કે, કોઈ વ્યક્તિ મૉડલ્સને ઍપ્સ્ટીન પાસે મોકલે અને તેને ઍપસ્ટીન શું કરી રહ્યો હતો તેની જાણ હોય અથવા તેને આ વાતની જાણ હોવી જોઈતી હોય, તો તેની સામે કાર્યવાહી થઈ શકશે.
રોઝાને આશા છે કે પોતાની વાત જાહેર કરવાથી બીજી મહિલાઓને પણ આગળ આવીને પોતાના અનુભવો જણાવવાની હિંમત મળશે.
તેમણે કહ્યું, "આવી ઘણી મહિલાઓ છે, જે આના વિશે ક્યારેય વાત કરતી નથી, કારણકે તેમને ડર લાગે છે. તેથી, આ શોષણમાંથી બચી ગયેલી મારી બધી બહેનોને હું કહેવા માગું છું કે હવે તમે મને ઓળખો છો. તમે મારું નામ જાણો છો. હું કહું છું કે મારો સંપર્ક કરો."
વિશેષ રિપોર્ટિંગ : અનિકા ગ્રૉસર
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
વધુ શોધો
શૉર્ટ વીડિયો
શૉર્ટ વીડિયોનો અંત




