ઇમેજ સ્રોત, Getty Images
દિવાળી પછી ફટાકડા ફોડવાને કારણે પ્રદૂષણ મુદ્દે દિલ્હી અને મુંબઈ જેવાં મહાનગરોની તો ચર્ચા થાય છે, પરંતુ અમદાવાદ જેવાં શહેરોમાં પણ પ્રદૂષણનો ગ્રાફ વધી જતો હોય છે.
દિલ્હી, મુંબઈ અને પુણે જેવાં શહેરોમાં ઍર ક્વૉલિટી ઇન્ડેક્સ ભયાનક સપાટીને પાર કરી ગઈ હતી.
દિવાળી દરમિયાન અને પછી ગળામાં બળતરા અને દુખાવાની સમસ્યા સંબંધિત કેસોમાં વધારો થયેલો જોવા મળે છે. ત્યારે પ્રદૂષિત હવાને કારણે આપણા આરોગ્ય ઉપર શું અસર થાય છે, તેના કારણે કેવી સમસ્યા થાય છે? આ સિવાય કઈ બાબતો કારણભૂત છે, તથા કેવી કાળજી લેવી જોઈએ?
તેના વિશે બીબીસીનાં સંવાદદાતા દીપાલી જગતાપે ડૉ. શશાંક જોશી સાથે ચર્ચા કરી હતી. કોરોનાકાળમાં જ્યારે મહારાષ્ટ્ર સરકારે રચેલી ટાસ્ક ફોર્સના તેઓ હતા.
તેમની સાથેની વાતચીતના સંપાદિત અંશો, અહીં વાચો.
વાયુ પ્રદૂષણ આપણા આરોગ્યને કેવી રીતે અસર કરે?
ડૉ. શશાંક જોશી કહે છે કે, "જળવાયુ પરિવર્તન અને અલ નીનોની અસર જોવા મળી રહી છે. મુંબઈ કૉંક્રિટનું જંગલ બની ગયું છે. ત્યાં મોટા પાયે નિર્માણકાર્ય ચાલી રહ્યું છે, જેના કારણે ત્યાંની હવામાં ભારે પ્રદૂષણ ફેલાયેલું હોય છે.
ડૉ. શશાંક જોશી કહે છે, "આપણે જ્યારે ફટાકડા ફોડીએ છીએ ત્યારે પ્રદૂષણ વધી જાય છે. જેના કારણે ધ્વનિ અને વાયુ પ્રદૂષણ વધી જાય છે. હવામાં પાર્ટિક્યુલેટ મૅટર (પીએમ) વધી જવાને કારણે ફેફસાંને લગતી બીમારીઓ વધી જાય છે."
"શરદી અને ઉધરસ વધી જાય છે અને આપણને ગૂંગળામણ અનુભવાય છે. આ દિવસો દરમિયાન હૃદયની બીમારીઓ અને હાઇ બ્લડ પ્રેશરની બીમારીવાળા દર્દીઓની સંખ્યામાં પણ વધારો જોવા મળે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડૉ. શશાંક કહે છે કે આ સિવાય તહેવારોની સિઝનમાં તળેલા ખાદ્યપદાર્થો ને ફાસ્ટફૂડ લેવાનું પ્રમાણ પણ વધી જાય છે, જેના કારણે શરીરનું સંતુલન ખોરવાઈ જાય છે. આને પગલે બ્લડ પ્રેશર, ડાયાબિટીસ તથા ફેફસાંની બીમારીઓના કેસ વધી જાય છે.
વરિષ્ઠ નાગરિકો અને લાંબાગાળાની અસર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
લોકો દિવાળી દરમિયાન પ્રવાસ કરે છે અને તેમની દિનચર્યાને યથાવત્ રાખે છે. તેમને લાગે છે કે તેમને કોઈ બીમારી નથી. થોડું ઉધરસ જેવું થાય અને પછી તે આપોઆપ મટી પણ જાય છે.
ત્યારે નિષ્ણાતોનું કહેવું છે કે તેની અવગણના ન કરવી જોઈએ, આને કારણે શરીર ઉપર લાંબાગાળાની ઊંડી અસર થઈ શકે છે.
ડૉ. જોશી કહે છે, "આ ગાળામાં તબિયતનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જે લોકોને કોઈ બીમારી નથી, તેમણે પણ વિશેષ કાળજી રાખવી જોઈએ, જેથી કોઈ રોગ લાગુ ન પડી જાય."
"આ ગાળામાં ઍલર્જીના કેસોની સંખ્યા વધી જાય છે. વિશેષ કરીને બાળકો અને વૃદ્ધો ઉપર તેની અસર જોવા મળે છે. શરીરની રોગપ્રતિકારક ક્ષમતા ઘટી જાય છે, જેના કારણે શ્વસનમાર્ગમાં ઇન્ફેક્શન થઈ જાય છે."
ડૉ. જોશી ઉમેરે છે, "દર્દીઓને ગૂંગળામણ થાય છે અને તેઓ ખૂબ જ હેરાન થાય છે, એટલે આપણે સાવચેતી રાખવી જોઈએ. આપણે તેમને વધુ પ્રદૂષણવાળા વિસ્તારમાં જવા ન દેવા જોઈએ."
ડૉ. જોશી કહે છે કે આ ગાળા દરમિયાન રસ્તા ઉપર દોડતાં વાહનોની સંખ્યા ઘટી જાય છે અને ટ્રાફિક જામ ઘટી જાય છે. જેથી વાહનોને કારણે થતું પ્રદૂષણ ઘટી જાય છે, જે એકમાત્ર સારી બાબત છે.
ડૉ. શશાંક જોશી કહે છે, "આપણે ઘરે માતાપિતા, વાલીઓ, દાદાદાદી કે નાનાનાનીનું જે રીતે ધ્યાન રાખીએ છીએ, એવી જ રીતે અન્ય સિનિયર સિટીઝન્સનું ધ્યાન રાખવું જોઈએ. દરેકનું સ્વાસ્થ્ય સરખું જ મહત્ત્વપૂર્ણ છે. એટલે આપણે દિવાળીની ઉજવણી જવાબદાર રીતે કરવી જોઈએ."
આ સિવાય તેઓ પ્રાણાયમ તથા શ્વાસની અન્ય કસરતો કરવાની ભલામણ કરે છે, જેથી ફેફસાંની ક્ષમતામાં વધારો થાય.
ફટાકડાનું પ્રદૂષણ અને બાળકો
આ દિવસો દરમિયાન વાયુ પ્રદૂષણ વધી જતું હોય છે તથા ફટાકડાને એક મહત્ત્વપૂર્ણ કારણ માનવામાં આવે છે. ત્યારે મોટા ભાગે બાળકો જ વધુ ફટાકડા ફોડતાં હોય છે અને તેઓ જ ફટાકડાના ધુમાડાના સંપર્કમાં સૌથી વધુ આવતાં હોય છે. તો ફટાકડાના કેમિકલને કારણે બાળકોને તે કેવી રીતે અસર કરે છે?
એવા સવાલના જવાબમાં ડૉ. શશાંક જોશી કહે છે, "ફટાકડા હાનિકારક હોવાથી કેટલાંક સ્થળોએ તેની ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે. આને કારણે બાળકોને ઍલર્જી થવાની શક્યતા વધી જતી હોય છે. આ દિવસો દરમિયાન તેમની રોગપ્રતિકારક ક્ષમતા ઘટી જાય છે અને તેઓ વારંવાર બીમાર પડી જાય છે."
તેઓ કહે છે કે દિવાળીના દિવસોમાં વાયુપ્રદૂષણનું સ્તર અચાનક જ અનેક ગણું વધી જતું હોય છે, એટલે સાવચેતી રાખવી જોઈએ. વધુમાં, તેની લાંબા ગાળાની માઠી અસરો ઘણી વખત તરત નથી દેખાતી.
વાયુ પ્રદૂષણ અને સ્વાસ્થ્યની સંભાળ
જ્યાં સુધી વાયુ પ્રદૂષણ ઘટી ન જાય કે હવાની ગુણવતા સામાન્ય ન થઈ જાય, ત્યાં સુધી આપણે કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, તેવા સવાલના જવાબમાં ડૉ. જોશી જવાબદારીને સમજીને મર્યાદામાં રહીને તહેવારોની ઉજવણી કરવાની હિમાયત કરે છે. સાથે જ જણાવે છે:
"આપણે સંતુલિત આહાર લેવો જોઈએ અને કસરત કરવી જોઈએ. ફેફસાંના સ્વાસ્થ્ય ઉપર વિશેષ ધ્યાન રાખવું જોઈએ. દરેક વ્યક્તિ ઍર પ્યૂરિફાયર ખરીદી ન શકે. વધુમાં તેની પણ કેટલીક મર્યાદા છે."
"આથી, વધુ પડતું પ્રદૂષણ હોય, ગૂંગળામણ અનુભવાતી હોય, ભીડ હોય, તેવી જગ્યાએ જવાનું ટાળવું જોઈએ."
તેઓ સરકાર જે કોઈ પગલાં લે કે જાહેરાત કરે, તેમાં સહકાર આપવાની નાગરિકોને ભલામણ કરે છે.
આ સિવાય નવાં વૃક્ષોનું વાવેતર કરવાની તથા જૂનાં વૃક્ષોની જાળવણી કરવાની પણ નાગરિકોને હિમાયત કરે છે.
નિષ્ણાતો બાળકો, અન્ય કોઈ બીમારી ધરાવનારી વ્યક્તિ, વૃદ્ધો તથા સગર્ભા મહિલાઓની વિશેષ કાળજી રાખવાની ભલામણ કરે છે. આ સિવાય વૃદ્ધોને ફેફસાંને લગતી કસરતો તથા પ્રાણાયમની ભલામણ પણ કરવામાં આવે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
વધુ શોધો
શૉર્ટ વીડિયો
શૉર્ટ વીડિયોનો અંત




